હાસ્યાલય

મઠ્ઠમ્ મઠ્ઠે મઠ્ઠઠાહા…

મઠ્ઠમ્ મઠ્ઠે મઠ્ઠઠાહા…

બપોરના દોઢ વાગ્યા બાજુ તડકા મા કોઇક ના જમણવાર મા જવાનું થાય ને એમાંય જમણવાર પૂરતી જ ઔપચારિકતા હોય એટલે આપણી નજર યજમાન કરતા બૂફે ના ટેબલ પર પહેલી પડે એ સ્વાભાવિક છે.

આવા તડકા મા તળેલી પૂરીઓ મા આપણને રસ હોય નહીં, શાક દાળ તો સમજ્યા, ફરસાણ પણ તડકા મા એમનાં નૂર ખોઈ ચુક્યા હોય. એટલે વધ્યું કોણ? આપણો હોટ (સોરી કોલ્ડ) ફેવરિટ મઠ્ઠો….

આખાય જમણવાર ના આકર્ષણ નું કેન્દ્ર બની બેઠેલો હૂર, નૂર, કોહિનૂર જેવો મઠ્ઠો એની કેસરવરણી પીળી ત્વચા ઉપર કાજુ બદામ ના શણગાર કરીને સજી ધજી ને આપણી રાહ જોતો ઉભો હોય. એની ચમક જોઈને દુર ઉભેલી પ્રેમિકા આંખ મારતી હોય એવી ફીલિન્ગ આવે.

ઘરધણી સાથે કેમ છે, કેમ નહીં?, બા ને કેમ છે?, બાપા ને કેમ છે(છે કે નહીં?) જેવા સવાલ જવાબ ની ઝડપી પતાવટ કરીને, “ડીશ લઇ લ્યો” ના અનુરોધ ની રાહ જોવી એ તપસ્યા જ છે ને એમાંય પેલો મઠ્ઠો આપણને દૂરથી આંખ માર્યા કરે. માંડ માંડ આપણા ‘મઠઠાવેગ’ ને રોકી ને ત્યાં ઉભુ રહેવું પડે. ભલે મન મે મઠઠા ફૂટતા હોય. જાજો વહેવાર હોય નહીં એટલે આપણે કોઇના દર્શનાભિલાશિ હોઇએ નહીં, ખાલી ‘મઠઠાભીલાશિ’ હોઇએ. સમય સાથે આપણી ‘મઠ્ઠોત્સુકતા’ વઘતી જાય અને મઠ્ઠો ખૂટી જવાનો ડર પણ. બધાં ને મળી લીધુ તુ, ને જમવાને હજી વાર હતી એટલે જ્યાંથી વીના અવરોધે “મઠઠાદર્શન” થાય એવી જગ્યાએ હુ ઉભો રહી ગ્યો. મે તેરે સામને, તુ મેરે સામને, તુજે દેખું કે પ્યાર કરૂ?…

જમણવાર મા મોટા ભાગ નો માર મઠઠા માથે જ આવવાનો છે એ આયોજકો ને ય ખબર હોય એટલે ખાસ
મઠ્ઠો પીરસવા માટે એક યોગ્ય વ્યક્તિ ની પસંદગી થાય. અંતે બધી લાયકાતો જોઈને એક “મઠઠાધીશ” ની નિમણુંક થાય. આ એક એવી વ્યક્તિ હોય જેને કુટુંબ માં કોને કોને ડાયાબીટીસ છે એની પાક્કી ખબર હોય. એવા લોકો ને મઠઠાથી દુર રાખવાની જવાબદારી એની હોય. મને એક બે વાર આ “મઠઠાધીશ” બનવાનું સદભાગ્ય મળેલું છે એટલે ખબર છે. બહુ માન મળે “મઠઠાધીશ”ને. કેટલાય તો ના ઓળખતા હોય એવાય સ્માઈલ આપતા આપતા આવે ખબર પૂછવા. ઘણા તો આપણા માટે માંગા લઈને આવે અને ચાર પાંચ વાર મઠ્ઠો લઇ જાય, આપણાથી ય હરખ માં વધુ અપાય જાય.

ઘણા તો એવા મઠઠાપ્રેમીઓ ય જોયા છે જે મઠ્ઠો થાળી માં આવ્યા પછી બાકીની વાનગીઓ લેવાની પરવા કર્યા વગર જ ત્યાને ત્યાં ચાર પાંચ ચમચી આરોગી જાય. ત્યાને ત્યાં “મઠઠાભીનીશ્ક્રમણ” કરે. દાળ સુધી પહોચે એટલે યુ ટર્ન મારે પાછો મઠ્ઠો ભરવા માટે. ઘણી વાર યુ ટર્ન માં ધ્યાન રહે નહી ને કોઈકની થાળી ઉડાડી દે. એમાંય જો કોઈની છાશ ઢોળાય મઠઠા માં!, મઠઠા ની મીઠાશ ને છાશ ની ખટાશ સાથે ફાવે નહી એટલે થાય પછી “મઠઠાકાંડ”.

પહેલા શ્રીખંડ આવતો આવી રીતે. ધીમે ધીમે શ્રીખંડ ની ખટાશ લોકો ના દાંત અને ચોકઠાં ને માફક ના આવી એટલે મઠ્ઠો મેદાન માં આવ્યો. મઠ્ઠો શ્રીખંડ કરતા વધારે મલાઈદાર, ચીકણો અને મીઠો હોય. એમાં લોકો પોતાની અમીરી પ્રમાણે કાજુ બાદમ નખાવે. મઠઠા ની એક ખાસિયત એ છે કે કોઈ ઉમરબાદ વગર બધા ખાય શકે. દાંત તો શું ચોકઠાં ની ય જરૂર નહી. ખાલી મોઢામાં મુકીને આંખો બન્ધ કરીને મમળાવો એટલે “અહમ મઠઠાસ્મી” ની ફિલિંગ આવવા મંડેં. હા પણ ચોકઠાં વગર મઠ્ઠો ખાય એની સામે ના બેસાય, ગમ્મે ત્યારે પિચકારી છુટી જાય, કારણ કે મોઢા માં મુક્તા જ મઠ્ઠો ઓગળીને રબડી બની જાય પછી આ પાળ વગરના લોકો થી ના જળવાય,ને ડેમ છલકાય.

આવા વિચારો કરતો તો ત્યારે મારી અને મઠઠા વચ્ચે બીજા 21 જણા હતાં લાઇન મા. મારી તો ઇચ્છા હતી દૂરથી જ “મઠઠાન્દેહી” ના નારા લગાવવાની, પણ સામાન્ય પ્રેમ ની જેમ મઠઠાપ્રેમ ને પણ સામાજિક મર્યાદા નડી ગઇ. ચુપ રહેવું પડયું.

અંતે હુ પહોંચ્યો થાળી સુધી. મઠઠા ને આવકારવા માટે મે વાટકી લીધી, લૂછી. ચમચી ય ખાસ લીધી, જુના કિસ્સા ને યાદ કરીને. પણ મઠ્ઠો મારી થાળી મા આવે એ પહેલાજ કોઈ આવીને મઠઠા નો ડબ્બો લઇ ગયુ. મઠ્ઠો ખલ્લાસ. પણ પછી એમ થયુ કે હમણાં નવો ચીલ્ડ ચિક્કાર ડબ્બો આવશે મઠઠા નો. વિરહ ની વેદના તો થઈ પણ થોડા ઈંતજાર કા મઝા લિજીયે ના ન્યાયે ત્યાંજ ઉભો રહ્યો. મઠઠા મેરે મઠઠા મેરે… ગાતો તો. પાંચ મિનીટ થઈ, મઠઠા ને ભગાડી ગ્યો તો ને એ આવ્યો, હાથ મા લાડવાનો ત્રાસ લઇને. એ “ત્રાસ” જ હતો. મઠ્ઠો ખૂટી ગ્યો તો ને એનાં સ્થાને હવે લાડવા હતાં. ઓચિંતા ની આ તખ્તા પલટ થી હુ તો હચમચી ઉઠ્યો. પ્રેમ ભલેને મઠઠા સાથે જ કેમ ના હોય, રડવું તો આંસુ વગર જ પડે પ્રેમ મા. લાડવાનો ને બીજા બધાનો બહિષ્કાર કરીને સીધો દાળભાત પાસે પહોચી ગ્યો, વૈરાગ્ય લઇ લીધો ના હોય એમ. મેરી કિસ્મત મે તુ નહીં શાયદ…. ગાતો ગાતો.

હું તો કહું છું હજી વેરાયટી આવવી જોઈએ મઠઠા માં જેમકે ભાવ દેવા માટે ખાસ મઠઠા ના બટકા બનાવવા જોઈએ. સંબંધ માં મીઠાશ ને બદલે “મઠઠાશ” આવી જાય.

થોડાક સરકારને કરવા જેવા સુચનો ય છે જેમ કે મઠ્ઠો ખાધા પછી ત્રણ કલાક ગાડી ચલાવાની છૂટ ના આપવી જોઈએ. જબરદસ્ત ઘેન ચડે મઠઠા થી, ને પછી સ્લીપ એન્ડ ડ્રાઈવ ના કેસ થાય. ઉનાળા માં રાહત દરે “મઠઠા વિતરણ કેન્દ્ર” પણ સ્થાપી શકાય. કોઈ મઠઠાપ્રેમી શિવભક્ત હોય ને એની ઈચ્છા થાય એકાદ “મથ્ઠેશ્વર મહાદેવ” સ્થાપવાની કે જ્યાં સવાર સાંજ એકલો મઠ્ઠો જ મળે પ્રસાદ માં!!!

ધોમધખતા ઉનાળા મા સૌને “મઠઠાભીનંદન”…

-હાર્દિક મકવાણા(હાર્દ)

Leave a comment